થોડા દિવસો પહેલા રૂ ગાંસડીના ભાવ ઘટીને રૂ.53000ની આસપાસ પહોંચી ગયા હતા. જોકે, આ બાદ નીચેના સ્તરેથી ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ 29એમએમ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.53700ની સપાટી જોવા મળી રહી છે. છેલ્લા લગભગ બે મહિનાથી રૂ ગાંસડીના ભાવમાં રૂ.53 હજારથી રૂ.54 હજારની સપાટીની વચ્ચે જ વેપાર થઇ રહ્યો છે. કપાસના ભાવમાં રૂ.1250થી રૂ.1500ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે.
આ સિઝનમાં અત્યાર સુધીમાં 200 લાખ ગાંસડીથી વધારેની આવક થઇ હોવાનો અંદાજ છે. જેમાં 88 લખ ગાંસડી આસપાસ રૂની ખરીદી ટેકાના ભાવે થઇ છે. વૈશ્વિક પરિબળોના કારણે ગાંસડીના ભાવ નીચા રહ્યા છે. આથી જીનિંગની કામગીરી પણ પ્રમાણમાં ઘટી છે. હાલની સ્થિતિએ દેશમાં કપાસની આવકો સતત ઘટી રહી છે. જોકે, જીનિંગ ઉદ્યોગની ઓછી લેવાલી તેમજ વૈશ્વિક પરિબળોના કારણે રૂ બજારમાં એક જ સ્તરે વેપાર થતો જોવા મળ્યો છે.
કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1300થી રૂ.1575ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે. આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂ.1505 પ્રતિ મણ જાહેર થયો છે. હાલની સ્થિતિએ લગભગ ટેકાની સપાટીની આસપાસ કપાસના ભાવ પહોંચી ગયા છે. આ વખતે ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યુ છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચ્યુ છે. આથી ધારણા કરતાં કપાસનું ઉત્પાદન ઓછુ રહે એવી પણ સંભાવના રજુ થઈ રહી છે.