જીરુની બજારમા ભાવ આજે સ્ટેબલ રહ્યા હતાં. મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે વાયદા બજારો બંધ હોવાથી હાજરમાં પણ કોઈ મુવમેન્ટ નહોતી, પરંતુ ખેડૂતો અને સ્ટોકિસ્ટોની વૈચવાલી વધી હતી. ઉંઝામાં આવક વધીને આજે ૧૫ હજાર બોરી અને રાજકોટમાં ૨૮૦૦ બોરી જેવી આવક હતી. ગોંડલમાં ૧૦૦૦ બોરીની આવક હતી. આવકો દરેક સેન્ટરમાં વધારો હોવા છત્તા બજારો સરેરાશ મજબૂત રહી હતી.
જીરૂના વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં જીરૂની બજારમાં ધરાકી સારી હોવાથી બજારને ટેકો મળ્યો છે. આગળ ઉપર જો જીરૂમાં નિકાસ વેપારો થોડા વધશે તો બજારો સુધરી શકે છે અને ઘરાકી ઓછી રહેશે તો ભાવ ફરી નીચાં આવી શકે છે.
જીરું ના વાવેતર ના અહેવાલો નબળા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. સ્ટોકિસ્ટો હજી ખાસ વેચવાલ નથી, પરંતુ જો બજારો ૨૭ હજાર આસપાસ આવશે તો થોડી સ્ટોકિસ્ટોની પણ નફારૂપી વેચવાલી આવે તેવી ધારણા છે. બેન્ચમાર્ક જીરૂ ડિસેમ્બર વાયદો છેલ્લે રૂ.૨૫,૪૩૦ની સપાટી પર બંધ રહ્યો હતો.
હાલની સ્થિતિએ જીરા બજારમાં ઓફ સિઝન હોવા છતાં નોંધપાત્ર રીતે આવક થઇ રહી છે. ઉંઝામાં દૈનિક સરેરાશ 12 હજાર બોરીથી 15 હજાર બોરીની આસપાસ જીરાની આવક થઇ રહી છે. દિવાળી પછી જીરાની આવક લગભગ આ જ સ્તરે જળવાયેલી રહી છે. રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી પ્રમાણમાં વધારે છે. જીરામાં માંગની સ્થિતિ સારી છે પણ માંગની સરખામણીએ આવક વધારે થઇ રહી છે.
હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ રૂ.4600થી રૂ.4900ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે. બોલ્ડ દાણો હોય તો રૂ.5000 સુધીના પણ વેપાર થઇ રહ્યા છે. દિવાળી બાદથી ધીમી ગતિએ જીરાના ભાવમાં ઘટાડો થયો છે. ગત સિઝનની સરખામણીએ હાલની સ્થિતિએ જીરાનું વાવેતર ધીમી ગતિએ થઇ રહ્યુ છે. જોકે, આ સપ્તાહથી ઠંડીની શરૂઆત થતા વાવેતરને વેગ મળ્યો છે. આગામી સમયમાં જીરાના વાવેતર વિસ્તારની સ્થિતિ કેવી રહે છે એ પરિબળ મહત્વનું સાબિત થશે.