અંબાલાલ પટેલની મોટી આગાહી
આવતીકાલ ૩ ઓકટોબર થી શરૂ થતા નવરાત્રી પર્વના પહેલા નોરતા થી દશેરા સુધીના હવામાનની આગાહી અને આગોતરું એંધાણ. ગુજરાતના વાતાવરણને અસરકતી થાય એવી કોઈ મોટી સિસ્ટમ્સ હાલ સક્રિય નથી. પહેલા નોરતા થી પાંચમાં નોરતા સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી. પાંથમા નોરતા એટલે કે ૭ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ કાંઠાના જિલ્લાઓમાં લોકલ એક્ટિવીટીના ભાગ તરીકે ખૂબ સીમિત એકલ દોકલ વિસ્તારોમાં બપોર બાદના સમયમાં ગાજવીજ વાળા હળવા ભારે ઝાપટાં હળવો વરસાદ પડવાની સંભાવના ગણાય.
દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં થોડી વધુ શક્યતા, પણ તેનાથી નવરાત્રી આયોજનોમાં મોટા પ્રમાણમાં વિક્ષેપ પડે તેવી સંભાવના ખુબજ ઓછી, આ સમયગાળા દરમ્યાન દિવસના મહત્તમ તાપમાનમાં વધારો થશે જે ૩૨-૩૫ સે. ની રેન્જમાં રહેશે. ૮ ઓકટોબર થી મહત્તમ તાપમાનમાં વધુ વધારો થઈ શકે જે ૧૨ ઓકટોબર સુધી અમુક સીમિત ગરમ વિસ્તારોમાં ૩૮-૩૯ સે. સુધી નોંધાય શકે. મુખ્યત્વે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વિશેષ રહેશે.
નવી સિસ્ટમ સક્રિય બનશે
આગોતરું એંધાણ ૮ થી ૧૩ ઓકટોબર એટલે કે દશેરા સુધીના સમયગાળા માટે પણ ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ્સ અસર કરે તેવી શક્યતાઓ ઘણી ઓછી, મધ્ય અરબસાગરમાં દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા કાંઠે ૯-૧૦ ઓકટોબર આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ્સ આકાર લ્યે તેવી સંભાવના છે. જેને લઇને ઓકટોબરની ૧૦-૧૧-૧૨ તારીખોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાય અને છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં હળવો વરસાદ અને એકલ દોકલ વિસ્તારમાં મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે જે અત્યારે એક આગોતરા એંધાણ તરીકે ગણવી જેમાં આગળ ફેરફાર થઈ શકે, વધુ અપડેટ સિસ્ટમ બનવાની તારીખ નજીક આવશે એટલે આપવામાં આવશે.
ટુંકમાં દશેરા સુધી રાજયના ખૂબ સીમિત વિસ્તારોમાં અમુક તારીખોમાં સામાન્ય વરસાદની સંભાવનાઓ ને બાદ કરતા નવરાત્રી આયોજનોમાં મોટા પ્રમાણમાં વિક્ષેપ પડે તેવા ભારે વરસાદની સંભાવના હાલની સ્થિતિઓ મુજબ નથી દેખાતી જેમાં ફેરફાર હશે તો આગળ વધુ અપડેટ આપવામાં આવશે.
અત્યારે ચોમાસાની વિદાય રેખા ઉતર ગુજરાતના ડીસા અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ સુધી પસાર થઈ રહી છે. આ સપ્તાહના અંત સુધીમાં ચોમાસું સૌરાષ્ટ્રના કેટલાક વધુ વિસ્તારો અને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાંથી પણ વિદાય લઈ શકે છે.
વાવાઝોડાની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આગાહી મુજબ વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા છે. 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકશે.