ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થવાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુરુવારે ફરીથી અનેક શહેરોમાં તાપમાન થોડું ઉંચુ ગયુ છે. હાલ ગુજરાતનું હવામાન થોડું અટપટું દેખાઈ રહ્યું છે. ક્યારેક તાપમાન ઘટે છે તો ક્યારેક તાપમાન વધી જાય છે એવામાં હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કડકડતી ઠંડીના રાઉન્ડ ની આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું અનુમાન છે, સાથે ૮ થી ૧૫ ડીસેમ્બર દરમિયાન કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં ૧૦ ડીગ્રી સેલ્સિયસ કરતા તાપમાન નીચું આવી શકે છે. ખાસ અત્યારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે જેના કારણે જમ્મુ કાશ્મીર લેહ લદાખ અરુણાચલ પ્રદેશ સહીતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે જેના કારણે ઉતરના પવનો ગુજરાત સુધી આવશે એટલે સારી ઠંડીનો ચમકારો આવશે.
અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બર સુધી વાતાવરણમાં પલટો આવ્યો હતો.જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડયા હતા પરંતુ હવે ગુજરાતમાં કોઈ માવઠાની સંભાવના નથી.૦૮ થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે.
સૌથી નીચું તાપમાન થરાદ, ધાનેરા, ઈડર, સતલાસણા, સુઈગામ, નલીયા, રાપર, ધોળાવીરા જેવા વિસ્તારોમાં ૯-૧૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોધાશે, બાકીના ઉત્તરના વિસ્તારમાં અને કચ્છમાં ૧૦-૧૧ આસપાસ તાપમાન રહેશે, અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા દાહોદ મહીસાગર જિલ્લામાં ૧૦ થી ૧૨ ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૧૦-૧૪ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે જોવા મળશે.