સમગ્ર ભારતમાં ચાલ વર્ષ ૨૦૨૪-૨૫માં ચોમાસ સમયસર બેસી ગયું હતું અને પુરથી થયેલ થોડું નુકસાન બાદ કરતા, વરસાદ પણ યોગ્ય વિતરણ સાથે સારો થયેલ છે. ગુજરાતમાં પણ સિઝન દરમ્યાન ખુબજ સારો વરસાદ થયેલ છે અને કપાસનું વાવેતર જુલાઈ ૨૦૨૪ ના ત્રીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું. જે અંદાજે ૨૪ લાખ હેક્ટર જેટલું થયેલ, જે ગત વર્ષ કરતા ૩ હેક્ટર જેટલું ઓછું રહેલ છે. ચાલુ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૮૮.૩૨ લાખ ગાંસડી થવાનો અંદાજ છે (પ્રથમ આગોતરો અંદાજ તા. ૨૩-૯- ૨૦૨૪), જે ગત વર્ષે ૯૨.૪૮ લાખ ગાંસડી થયેલ. પાકની પરિસ્થિતી સારી હોવાથી ઉપજ સામાન્ય કે અંદાજ કરતા વધારે મળશે.
ચાલું વર્ષે દેશમાં, કપાસનું વાવેતર ઘટીને અંદાજીત ૧૧૩.૬૦ લાખ હેક્ટરમાં થયેલ છે, જે ગત વર્ષે ૧૨૬.૮૮ લાખ હેક્ટર થયેલ હતું, અને ઉત્પાદન પણ વાવેતર ઘટવાથી અને પૂરથી થયેલ નુકસાનનાં લીધે ઓછું અંદાજીત ૨૯૯.૨૬ લાખ ગાંસડી થશે (પ્રથમ આગોતરો અંદાજ તા. ૫-૧૧-૨૦૨૪), જે ગત વર્ષે ૩૨૫.૨૨ લાખ ગાંસડી થયેલ. જે દર્શાવે છે કે ચાલું વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઘરેલું વપરાશાની જરૂરીયાત લગભગ ૩૨૫ લાખ ગાંસડી કરતાં થોડું ઓછું રહેશે.
અમેરિકાના કૃષિ વિભાગના અહેવાલ મુજબ વિશ્વ સ્તરે, કપાસનું વાવેતર ગત વર્ષનાં ૩૧૩.૫ લાખ હેક્ટર કરતા થોડું ઘટીને ચાલું વર્ષે ૩૧૧.૬ લાખ હેક્ટર નોંધાયું છે. વાવેતરનો ઘટાડો માત્ર ભારતમાં જ થયો છે. સને ૨૦૨૪-૨૫ માં વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન ૧૪૯૪ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગત વર્ષ (૧૪૫૬ લાખ ગાંસડી) કરતા લગભગ ૩૮ લાખ ગાંસડી વધારે થશે અને વપરાશ ગત વર્ષ કરતા થોડો વધુ (૧૪૮૨ લાખ ગાંસડી) થવાનો અંદાજ છે, જેથી ચાલું વર્ષે વિશ્વ બજારમાં ભાવ જળવાઈ રહેશે. સને ૨૦૨૩- ૨૪માં ભારતમાંથી કપાસ(રૂ) ની નિકાસમાં થોડો વધારો થઈને ૩૩.૭૧ લાખ ગાંસડી થઈ હતી, જે ગત વર્ષે ૧૮.૭૩ લાખ ગાંસડી હતી. જયારે ભારતમાં કપાસની આયાત વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘટીને ૧૪.૮૩ લાખ ગાંસડી થઈ હતી, જે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૬.૫૬ લાખ ગાંસડી હતી. આ ઉપરાંત ચાલું વર્ષે એપ્રિલ થી ઓગષ્ટ, ૨૦૨૪ સુધીમાં માત્ર ૧૧ લાખ ગાંસડી કપાસની નિકાસ થયેલ અને ૯ લાખ ગાંસડીની આયાત થયેલ છે. ભારતમાં ગત વર્ષનો બીન-વપરાશી જથ્થો લગભગ ૪૦ લાખ ગાંસડી તેમજ વિશ્વ સ્તરે ૯૬૩ લાખ ગાંસડી હોવાનો અંદાજ છે.
ગત વર્ષે ભારતમાંથી કપાસની નિકાસમાં વધારો અને આયાતમાં ઘટાડો થયેલ હતો, જેથી કપાસના ભાવ ઓક્ટોબર ૨૦૨૩ માં મણના રૂ. ૧૪૨૦ જેટલા હતા, જે આ સ્તરે ફેબ્રુઅરી ૨૦૨૪ સુધી રહેલ અને એપ્રિલ ૨૦૨૪ માં થોડા વધીને મણના રૂ. ૧૫૨૦ થયા, અને આગળ આ સ્તરે સ્થિર રહેલ. હાલ ગુજરાતની વિવધ બજારોમાં કપાસનો ભાવ મણના રૂ. ૧૫૦૦ જેટલા પ્રવર્તમાન છે, જે કાપણી સમયે થોડી વધ-ઘટ સાથે આ સપાટીએ સ્થિર રહેવાની સંભાવના છે. ભારત સરકારશ્રીએ ચાલું વર્ષ ૨૦૨૪-૨૫ માટે કપાસનો ટેકનો ભાવ મણના ३. ૧૫૦૪.૨૦ (ક્વિન્ટલ દીઠ રૂ. ૭૫૨૧) નક્કી કર્યા છે, જે ગયા વર્ષે ૧૪૦૪ રૂપિયા હતા.