પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. આથી ઘણી વખત ચોમાસું પૂર્ણ થાય તે પછી પોસ્ટ મોન્સૂનનો વરસાદ પડતો હોય છે. અત્યારે અરબ સાગરની અંદર એક પ્રકારે વરસાદી સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 13 થી 18 ઓક્ટોબરના 5 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે
વધુ વરસાદ ની શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે , જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે.સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કચ્છમાં ઝાપટાં પડી શકે છે દરીયા કિનારાના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વાવ રાધનપુર અંબાજી થરાદ ધાનેરા બોર્ડર લાગું વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે મધ્ય પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે કોઇક જગ્યાએ સામાન્ય વરસાદ વરસશે તેવું અનુમાન છે.
અરબ સાગરની સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂરથી પસાર થઈ શકે છે. તે ઓમાન અથવા યમન તરફ જાય તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. એના કારણે તેના અમુક વાદળો ગુજરાત પરથી પસાર થઈ શકે છે. તેના કારણે 700 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાશે. તેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થાય તેવા કોઈ પરિબળો સક્રિય નથી.આથી વાવાઝોડું આવે તેવી કોઈ શક્યતા ના હોવાથી કોઈએ ડરવાની જરૂર નથી.