જીરુંમાં આવી જોરદાર તેજી, બાંગ્લાદેશ સહિતના દેશોની ખરીદી નીકળતા તેજી આવી
દેશમાં જીરાની જબરી છત વચ્ચે પણ હાલ બજારમાં તેજીનો રંગ ઘૂંટાયો છે. વિતેલ શિયાળું સિઝને જીરાનું મોટું વાવેતર હતું, એટલે અમુક ટકા બગાડ-સગાડ વચ્ચે પણ મોટો પાક આવ્યો, એ સૌએ સ્વીકારવું પડે. સિઝન પ્રારંભથી જીરાની બજારમાં સતત ધસારો લાગીને રૂ.૪૦૦૦ની નીચે ભાવ સરકવા લાગ્યા, ત્યારે ખેડૂતોએ વેચવાલીને બ્રેક મારી દીધી હતી, એ સારી વાત કહી શકાય.
ઊંઝા યાર્ડ જીરૂનાં વેપાર માટેનું વડુ મથક કહી શકાય. ઊંઝામાં રાજસ્થાનમાંથી પણ જીરાનો મોટો પાક વેચાણ માટે આવતો હોય છે. ગત સપ્તાહે ૧૩, મે સોમવારે ઊંઝા મથકે જીરાની આવક ૬૦ હજાર બોરીની હતી, તે આજે સોમવાર, ૨૦, મે સોમવારનાં દિવસે વધીને ૭૦ હજાર થી ૭૫ હજાર બોરીની થઇ હતી. શનિવાર કરતાં જીરામાં મણે રૂ.૧૫૦ થી રૂ.૨૦૦ બજાર સારી હતી. સારા માલમાં આજે રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦નાં ભાવે વેપાર થયા હતા.
ચાઇના અને બાંગ્લાદેશમાં હાલ પુરતાં થોડા નિકાસ વેપાર સિવાય ક્યાંય મોટા નિકાસ નથી…
ગોંડલ યાર્ડ ખાતેથી મસાલાનાં એક વેપારી કહે છે કે ગત સપ્તાહનાં પ્રારંભે ૧૦૦૦ થી ૧૨૦૦ ગુણી જીરાની આવક હતી, આજે સોમવારે આવક વધીને બમણી એટલે કે ૨૫૦૦ થી ૩૦૦૦ ગુણીની થઇ છે. જીરાની બજાર વધી એમ ખેડૂતોની ટાર્ગેટ વેચવાલી વધી રહી છે. છેલ્લા દશ-૧૨ દિવસમાં જીરૂ પ્રતિમણ રૂ.૨૦૦૦ સુધર્યું છે. જે ભાવ રૂ.૪૪૦૦ હતા, એ વધીને રૂ.૬૨૦૦ થઈ ગયા છે. આ સટ્ટાનો ખેલ કેટલો ચાલે ઈ નક્કી નહીં. .
ચાઇના અને બાંગ્લાદેશમાં હાલ પુરતાં થોડા નિકાસ વેપાર સિવાય ક્યાંય મોટા જથ્થામાં નિકાસ કામ નથી, છતાં બજારમાં સટ્ટાકિય તેજી છે. આગામી ૧૫ દિવસમાં ચાઇનામાં નવી સિઝનનાં ભાવ ખુલશે. એનાં પર આગળની તેજી-મંદીનો આધાર છે. ખેડૂતોની નીચા ભાવથી વેચવાલી ઘટી જવાથી બજારમાં તેજી આવી છે. ગત વર્ષ જેવી જીરામાં ઐતિહાસીક બજાર થાય, એવા સ્વપ્ન જોવા જેવું નથી, જીરાની બજાર આગળ ચાલી છે, ત્યારે ખેડૂતોએ તેજીની વૈતરણીમાં પોતાનાં ટાર્ગેટ નીકળી જવામાં મજા છે.
તા.૨૦, મે સોમવારે સૌરાષ્ટ્રની બજારો પર નજર કરી લઈએ. રાજકોટમાં ૨૨૮૦ ગુણી જીરાની આવક સામે રૂ.૫૦૦૦ થી રૂ.૬૨૯૨ ભાવ થયો હતો. ગોંડલ યાર્ડમાં ૩૨૫૪ ગુણી આવક સામે બજાર રૂ.૩૫૦૧ થી રૂ.૬૫૪૧એ વેપાર થયા હતા. હળવદ યાર્ડ ખાતેથી ધાવડી કૃપાનાં રમેશભાઈ દલવાડી કહે છે કે જીરાની તેજી પહેલા સરેરાશ ૫૦૦૦ મણ આવક સામે આજે ૧૬૦૦૦ મણ જેવી આવક થઈ હતી. આજે પ્રતિમણ રૂ.૬૦૦૦ થી રૂ.૬૩૫૦નાં ભાવે વેપાર થયા હતા.
જીરામાં કન્ટેઇનર ડબ્બાનાં સોદા થવા લાગ્યા
અત્યારે ચાઇના અને બાંગ્લાદેશમાં જીરાની બહું થોડા પ્રમાણમાં નિકાસ થઇ રહી છે. ચાઇના, તુર્કિ, સરિયા, અફઘાનિસ્તાનનું નવું જીરૂ જુલાઇમાં આવે, એ પાક ઓછો આવવાની વાતોએ જોર પકડતાં જીરામાં સટ્ટોડિયા સક્રિય થયા છે. કન્ટેઇનરનાં ડબ્બામાં સોદા થવા લાગ્યા છે. સટ્ટોડિયા ગમે તે રીતે બજારને ઉંચકાવવા માગે છે, એ કેટલે પહોંચીને બ્રેક મારે ઇ નક્કી ન કહેવાય. ખેડૂતોએ ચડતી બજારમાં એનાં ટાર્ગેટ નીકળવા માલની ભરી બંદૂક રાખવી. પુરો માલ કાઢવાનો જીગર ન ચાલે તો ૫૦ ટકા માલ વેચીને નફો ગાંઠે બાંધી લેવામાં મુહૂર્ત ન જોવડાવવું