ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ થઈ રહ્યો છે. ચોમાસું પાક નીકળી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. મોમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે. જોકે, આગામી 24 કલાક બાદ ગુજરાતમાં વાતાવરણ સુકુ થવાનું અનુમાન છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ હતી અને દાના નામનું વાવાઝોડું બન્યું છે અને તે પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે તેવી શક્યતા છે.
ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે નવેમ્બર મહિનામાં પણ માવઠું થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે. ઓક્ટોબર બાદ નવેમ્બરમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
7થી 13 નવેમ્બરના બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે. જો સિસ્ટમ વિશાખાપટ્ટનમ થઈને આવે તો ગુજરાતમાં અસર થઈ શકે. 13 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થશે તો 13થી 15 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે.
નવેમ્બરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ગુજરાતમાં બેક ટુ બેક માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.જેના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે છે.