વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં લાંબા સમય સુધી 70 સેન્ટની સપાટીથી નીચે વેપાર થયા બાદ હવે નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઇ છે. હાલની સ્થિતિએ 71 સેન્ટની સપાટીની આસપાસ ન્યુયોર્ક વાયદામાં વેપાર થઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરે માંગમાં ઘટાડો થવાના અંદાજોની અસરથી છેલ્લા ઘણાં સમયથી ન્યુયોર્ક કોટન વાયદામાં મંદી સાથે વેપાર થઇ રહ્યો છે.
ભારતીય રૂ બજારની વાત કરીએ તો રૂ ગાંસડીના ભાવમાં પણ નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થયો છે. 29એમએ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.54300ની સપાટીની આસપાસ વેપાર થઇ રહ્યો છે. કપાસના બજારભાવ હાલની સ્થિતિએ ટેકાની સપાટીથી પણ નીચે પહોંચી ચુક્યા છે. ખેડૂતોને સરેરાશ રૂ.1300થી રૂ.1500ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે.
આ વર્ષ ભારતમાં કપાસ નું ઉત્પાદન ઓછું થવાની શક્યતા રહે છે પરંતુ વૈશ્વિક સ્તરે અને અમેરીકામાં ઉત્પાદન વધુ થશે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માંગ ઓછી જોવા મળશે, ભારતમાંથી નિકાસ ઓછી થવાથી કપાસ બજારમાં તેજી આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી.