ન્યુયોર્ક કોટન વાયદાના વેપારનો છેલ્લા એક મહિનાનો ચાર્ટ રજુ કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે 63 સેન્ટની સપાટીએ વેપાર થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ ન્યુયોર્ક વાયદામાં છેલ્લા સાડા ચાર વર્ષની સૌથી નીચી સપાટી જોવા મળી છે.
વૈશ્વિક રૂ બજારની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી છે અને 29 એમએમ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં ઘટાડા સાથે રૂ.53000ની સપાટી જોવા મળી છે. કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ ઘટાડો થતો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ રૂ.1250થી રૂ.1500ની સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. મહત્તમ વેપાર રૂ.1450થી રૂ.1475ની સપાટીની વચ્ચે થઇ રહ્યો છે.
કપાસની સિઝન હવે પૂર્ણ થવાને આરે પહોંચી છે ત્યારે રૂ બજારમાં મંદી તરફી માહોલ યથાવત રહ્યો છે. 29એમએમ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.53300ની સપાટી જોવા મળી હતી. બે સપ્તાહ પહેલા રૂ ગાંસડીના ભાવમાં રૂ.53700ની સપાટીએ વેપાર થઇ રહ્યો હતો. આ બાદ ધીમી ગતિએ સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. વર્ષ 2025ના પ્રથમ બે મહિના દરમિયાન રૂ બજારમાં રૂ.53 હજારથી રૂ.54 હજારની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો છે.
આ વખતે નવા કપાસની આવક શરૂ થઇ નહોતી ત્યારે કપાસના ભાવમાં રૂ.1600 આસપાસની સપાટીએ વેપાર થતો હતો. જોકે, નવી આવકનું જોર વધવાની સાથે કપાસના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી. હાલની સ્થિતિએ રૂ.1250થી રૂ.1500ની વચ્ચે કપાસમાં વેપાર થઇ રહ્યો છે. આ સિઝનમાં ગુજરાતના ખેડૂતોને કપાસના ઉતારા ઓછા મળ્યા છે અને ભાવ પણ નીચા મળ્યા છે.