ગુજરાતના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન છેલ્લા બે દિવસથી વધ્યું છે. જેના કારણે કાતિલ ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી જાન્યુઆરીના મધ્યભાગમાં કમોસમી વરસાદ પડશે તેવી આશંકા દર્શાવી છે. જેના કારણે ગુજરાતમાં માવઠાનો કહેર વર્તાશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા, પવનના તોફાનો, બરફ વર્ષા થતી જોવા મળશે. જેની અસર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી જોવા મળશે. ગુજરાતમાં ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન ગગડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા રહેશે. 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની આગાહી છે. જાન્યુઆરી મહિનામાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે.