પ્રતિકુળ હવામાનના કારણે ચોમાસુ સિઝનમાં તલને પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં તલના પાકને અસર થઇ છે. આ કારણે ધારણા કરતા ઓછુ ઉત્પાદન આવે એવી સંભાવના છે. આ કારણે તલ બજારમાં ધીમી ગતિએ સુધારો થવાની શરૂઆત થઇ છે. છેલ્લા એક સપ્તાહની અંદર તલમાં ક્વોલીટી પ્રમાણે પ્રતિ મણ રૂ.50થી રૂ.70 સુધીનો વધારો જોવા મળ્યો છે.
ભારતની સાથે બ્રાઝીલ અને નાઇજીરીયામાં પણ તલની ખેતી થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા છ મહિના દરમિયાન ભારતમાંથી સવા લાખ મેટ્રીક ટન તલની નિકાસ થઇ છે. દિવાળીના કારણે સ્થાનિક સ્તરે પણ માંગ વધી છે. આગામી સમયમાં શિયાળા દરમિયાન કચરીયાની સિઝનની અસર પણ બજાર ઉપર જોવા મળી છે. આ બધા પરીબળોના કારણે તલની માંગમાં વધારો થયો છે અને ભાવમાં ધીમી ગતિએ સુધારો થયો છે.
દિવાળી પહેલાના છેલ્લા ઓક્શન દિવસે તલની બજારમાં ભાવ સરેરાશ સ્ટેબલ હતા અને આવકો ત્રણ હજાર બોરી જેવી સમગ્ર ગુજરાતમાં માંડ થઈ હતી. તલની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે અને નવા તલની આવક કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે.
વેપારીઓ કહે છેકે કોરિયાનું ટેન્ડર જાહેરથવું હોવાથી દિવાળી બાદ તલની બજારમાં એક ચમકારો આવે તેવી ધારણા છે. સારા તલ અને નિકાસ થઈ શકે તેવા તલનો સ્ટોક ઓછો હોવાથી પ્રીમિયમ ક્વોલિટીના તલની બજારમાં સુધારો આવે તેવી ધારણાં છે. વળી આ તલમાં ભારતને જ ઓર્ડર મળે તેવી સંભાવનાઓ વધારે દેખાય રહી હોવાથી બજારને ટેકો મળી શકે છે.
રાજકોટમાં કાળા તલના ભાવમાં સ્થિરતા હતી. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૩૮૨૫થી રૂ.૩૯००, ઝેડ બ્લેકમા રૂ.૩૬૭૫થી ૩૮૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૧૦૦થી ૩૬૦૦ હતા. રાજકોટમાં ૧૦૦ બોરીની આવક હતી. ઉઝામાં તલની ૫૦૦ બોરીની આવક હતી અને ભાવ સુપર ક્વોલિટીમાં ૨૦ કિલોના રૂ.૨૮૦૦થી ૨૮૫૦ હતા.