પરેશ ગૌસ્વામીએ માવઠાને લઈ સારાં સમાચાર આપ્યા છે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. જોકે, વરસાદની સિસ્ટમ નબળી પડતા શિયાળામાં માવઠાની આફત ટળી છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે અને બપોરે ગરમી પડી રહી છે. જેના કારણે ગુજરાતીઓને ડબલ ઋતુનો માર સહન કરવો પડી રહ્યો છે.
ગુજરાત નજીકથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. તેને કારણે વરસાદની આગાહી આપવામાં આવી હતી. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સાત જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના હતી. જોકે, આ સિસ્ટમની સક્રિયતા ઓછી થવાને કારણે માવઠાની શક્યતા ઓછી થઈ ગઈ છે.
પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સિસ્ટમ ની અસર ઓછી રહેશે, પરંતુ અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાંની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થરાદ, વાવ, રાધનપુર, અંબાજી, ધાનેરા, પ્રાંતિજ, તલોદ, વડાલી ઈડર, ઇકબાલગઢ, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સિસ્ટમ ની અસર ઓછી રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ૦૩ થી ૦૫ ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે બાકી માવઠું થવાની શક્યતા ઓછી છે. તે ઉપરાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે સિસ્ટમ પસાર થઈ જશે, પછી ગુજરાતમાં ફરી ગુલાબી ઠંડીનો ચમકારો આવશે તેવી શક્યતા છે.