હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિના માટે મોટી આગાહી કરી છે કે, નવા વર્ષની શરૂઆત ઠંડી, કમોસમી વરસાદના કારણે જાન્યુઆરી મહિનામાં વારંવાર પલટો આવશે. નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં તો તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું અને ડિસેમ્બર મહિનામાં બેથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારમાં શીત લહેર રહી. ચાલુ વર્ષે શિયાળામાં કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટતી જોવા મળી રહી છે. મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે.
જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા, પવનના તોફાનો, બરફ વર્ષા થતી જોવા મળશે. જેની અસર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી જોવા મળશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન ગગડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી બાદ ફરી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે. પશ્ચિમ વિક્ષેપ ને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી હતી.