ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધશે, આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે અને બે દિવસ બાદ તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી જશે અને ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.
જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. બરફિલા તોફાન થશે. એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો થશે. ગુજરાતમાં પણ અસર થશે. 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે. એટલે કે 8 જાન્યુઆરી સુધીમાં ફરી ઠંડીનો એક રાઉન્ડ આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, “8 જાન્યુઆરીથી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને 12 જાન્યુઆરીના અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. જેના ભેજના કારણે મકરસંક્રાંતિ પર વાદળો આવશે અને હવામાનમાં મોટા બદલાવ આવશે. દેશના મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને ગુજરાતમાં વરસાદી છાંટા પડશે અને ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી વધશે.
જે બાદ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે આજથી ફરી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને કચ્છના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે, અત્યારે નલીયામાં ૯ ડીગ્રી સેલ્સિયસ તાપમાન, અમદાવાદ ૧૪, ડીસા ૧૩, અમરેલીમાં ૧૫ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો મકરસંક્રાંતિ સુધી જોવા મળશે.