રાજ્યમાં પૂર્વ-દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે. જોકે, તાપમાન સામાન્ય છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગામી દિવસોમાં ખાસ કરીને, ઉત્તરાયણના પવન, માવઠા અને ઠંડી અંગે આગાહી કરી છે.
14થી 16 જાન્યુઆરીએ વાદળો આવશે. મધ્ય ગુજરાતમાં ભાગોમાં વાદળો વધુ રહેશે. પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડશે. બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજના કારણે વાદળો આવશે.ફરી તાપમાન સામાન્ય થઈ જશે. 14થી 16 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટો આવશે અને 18 જાન્યુઆરીએ ફરી ઠંડી આવશે. ત્યારબાદ 22 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
14 જાન્યુઆરીએ આંચકાના પવન ફૂંકાશે એટલે કે પવનની ગતિ વધી જાય અને ફરી ઘટી જાય એવું રહેશે. એટલે આંચકાના પવનની ગતિ અમદાવાદના ભાગોમાં 20થી 22 કિલોમીટરની રહેશે. સૌરાષ્ટ્રમાં 28થી 32 કિલોમીટરની રહેશે. કચ્છમાં આંચકાના પવનની ગતિ 22 કિલોમીટર રહેશે. દક્ષિણ ગુજરાતમાં આંચકાના પવનની ગતિ 18થી 22 કિલોમીટર રહેશે. આ વખતે પવનની ગતિ વધુ રહી શકે તેવું કહી શકાય. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રહેશે. 15 જાન્યુઆરીના પવનની ગતિ થોડી ઓછી રહેવાની શક્યતા છે.