ગુજરાતમાં હાલ ઠંડા પવનો સહિત કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર શિયાળામાં હવામાનમાં પલટાની સાથે માવઠાની આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 30મી જાન્યુઆરી સુધીમાં વારંવાર પલટો આવશે અને હાડ થીજવતી ઠંડી પણ પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમ તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, પવનના તોફાનો અને કરા પડશે. જાન્યુઆરીના અંતમાં ભારે નૈસર્ગિક તોફાનો, પવન અને ઉત્તર પૂર્વિય ભાગોમાં ગાજવીજ થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે.
અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું હતું કે ૧૮,૧૯,૨૦ જાન્યુઆરીમાં હવામાનમાં પલટો આવશે, જ્યારે રાત્રે લધુત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીમાં ધટાડો થશે તેમજ જાન્યુઆરી ના છેલ્લા સપ્તાહમાં વારંવાર પલટો આવશે તેવી શક્યતા છે.
૨૨ જાન્યુઆરી બાદથી ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ૨૮,૨૯,૩૦ તારીખે ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં હળવા માવઠાની સંભાવના છે.
અંબાલાલ પટેલે માવઠા અંગે જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે. હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે. જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે.