ઘઉની બજારમાં ઝડપી રૂ.૫૦થી ૧૦૦ની તેજી આવી ગઈ છે અને દિલ્હી ધંઉનો ભાવ ફરી એકવાર રૂ.૩૨૫૦ની સપાટી આવી ગયો છે. દેશમાં સારી ક્વોલિટીનાં ઘઉંની અછત અને વેચવાલી એકદમ ઓછી હોવાથી બજારો અચાનક ઘટીને વધી ગયા છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. વેપારીઓ કહે છેકે ઘઉંની બજારો હવે આ લેવલથી વધતી અટકી જાય તેવી ધારણા છે. સરકારે સાપ્તાહિક ક્વોટા વધારીને ચાર લાખ ટન કરી દીધો હોવાથી હવે વધુ તેજી થવી મુશ્કેલ લાગે છે.
જુનાગઢમાં નવા ઘઉંની ૧૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૬૪૪ના ભાવ બોલાયા હતા, રાજકોટમાં ઘઉંની કુલ ૫૫૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૭૦ થી ૫૮૦, એવરેજ રૂ.૫૮૦થી દ૨૫, સારી ક્વોલિટીમાં રૂ.૬૩૦થી ૬૫૦ હતા.
ગોંડલ યાર્ડમાં ૯૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૫૦થી ૬૩૨ અને ટૂકડામાં રૂ.૬૦૦થી ૬૮૬ હતા, હિંમતનગરમાં ૫૦ ગુણીની આવક હતી અને ભાવ રુ.૬૨૫ થી ૬૯૦ હતા.
વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૪.૨૦ સેન્ટ વધીને ૫.૮૧ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં ૧.૫૮ ટકા વધ્યા હતા.