જીરૂના પાકની સ્થિતિ ખુબ જ સારી છે. ગુજરાતમાં જીરુના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો થયો છે. જ્યાં ચણાનું વાવેતર થયું છે ત્યારે જીરૂના વાવેતરમાં કાપ આવ્યો છે. અમુક વિસ્તારમાં વાવેતર ઓછા પણ છે.નવુ જીરૂની આવકો ૧૫થી ૨૦ દિવસ લેઈટ થાય તેવું લાગે છે. ફેબ્રુઆરી અંતથી નવા જીરૂની આવકો શરૂ થશે અને ગોંડલમાં ચાર-પાંચ બોરીની તો આવક થાય છે.
રાજસ્થાનમાં જીરૂના વાવેતર અંગે બે પ્રકારના મત આવે છે, જેમાં અમુક વર્ગ ગત વર્ષ જેટલું તો અમુક વર્ગ પાંચ-૧૦ ટકાનો વધારો પણ માને છે. રાજસ્થાનમાં જીરુની આવકો હોળી પછી જ આવે છે.
જીરૂનો નવી સિઝનમાં કેરીઓવર સ્ટોક ૨૦થી ૨૫ લાખ બોરીનો રહે તેવી ધારણા છે. જીરૂના પાકને લઈને હજી અંદાજ મુકવો વહેલો છે. પંરંતુ ગત વર્ષ જેટલો જો પાક આવી જશે. ગત વર્ષે ગુજરાત અને રાજસ્થાન મળીને કુલ ૯૦થી ૯૫ લાખ બોરીનો પાક ઓછામાં ઓછો થાય તેવો અંદાજ છે. પાકની સ્થિતિ સારી હોવાથી આના કરતા વધુ થાય તેવી પણ સંભાવના છે.
જીરૂના ભાવ અત્યારે ઘટીને રૂ.૪૦૦૦ આસપાસના છે જે નવી સિઝનમાં જીરૂની આવકો પીક ઉપર પહોંચશે એટલે એકવાર ઘટીને રૂ.૩૫૦૦ સુધી પહોંચી શકે છે. નવુ જીરૂ આવશે ત્યાં સુધી ભાવ રૂ.૪૦૦૦ની આસપાસ અથડાયા કરે તેવી ધારણાં છે.
જીરૂમાં ભાવ નવી સિઝનમાં રૂ.૩૫૦૦થી ૪૦૦૦ આસપાસ અથડાયા કરશે. જો વેધર ખરાબ ન થાય તો નવી સિઝનમાં તેજીના કોઈ ચાન્સ નથી. અત્યારે એક મહિનાના વેધર મોડલ મુજબ વાતાવરણ સારૂં બતાવે છે.
જીરૂની ગુજરાતમાં અત્યારે ૧૨થી ૧૩ હજાર બોરી અને રાજસ્થાનમાં પાંચેક હજાર બોરીની આવકનો અંદાજ છે. જીરૂની આવકો હવે નવી સિઝન સુધી જળવાઈ રહેશે અને ભાવમાં સુધારો આવે તો થોડીક આવક વધે તેવી ધારણા છે. ખેડૂતો પાસે જ જીરુ વધારે પડ્યું છે અને સ્ટોકિસ્ટો પાસે જીરુ છે તે મજબૂત હાથમાં છે.
નવી સિઝનમાં જીરૂના ભાવ જો રૂ.૩૫૦૦ આસપાસ હશે તો ખેડૂતો વેચાણ કરશે નહીં, જો રૂ.૪૦૦૦ આસપાસના ભાવ રહેશે તો ખેડૂતો વેચાણ કરશે. તાજેતરમાં જીરુના ભાવ રૂ.૪૩૦૦ વાળા ઘટીને રૂ.૩૮૦૦થી ૩૯૦૦ પ્રતિ ૨૦ કિલો થઈ ગયા છે.