ગુજરાતમાં હાલ ઠંડી અને ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં 28મી ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં પવન, ઠંડી, ઝાકળ અને માવઠા અંગેની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે પવનની ઝડપ હાલ નોર્મલ આસપાસ જોવા મળી રહી છે માર્ચ મહિનાથી પવનની ગતિ વધશે અને ઝડપ 15 થી 25 ની રહેશે તેવું અનુમાન છે.
હવામાન નિષ્ણાતે ઝાકળ અંગે જણાવ્યું છે કે, ઝાકળનો કોઈ મોટો રાઉન્ડ હાલ જોવા નહીં મળે. પરંતુ અમુક વિસ્તારોમાં હળવી અને સામાન્ય ઝાકળ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ એટલે કે 28મી ફેબ્રુઆરી સુધી છૂટાછવાયા ઝાકળ જોવા મળશે.
ફેબ્રુઆરી મહિનો ચાલુ થયો છે ત્યારથી આપણે મિક્સ ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ. આ માહોલ 28મી તારીખ સુધી રહેશે. ગયા વર્ષે દિવસનું તાપમાન આ વખત કરતા ઊંચુ હતું. આ વખતે નોર્મલ કરતા બે ડિગ્રી નીચું ચાલી રહ્યું છે. ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાની શરૂઆત થઈ જાય તેવો માહોલ જોવા નહીં મળે. હજી આપણે ઊંચા તાપમાન માટે રાહ જોવી પડશે.
પરેશ ગોસ્વામીએ માવઠા અંગે વાત કરતા જણાવ્યું છે કે, 28 ફેબ્રુઆરી સુધી કોઈ માવઠાની શક્યતા નથી. તે પછી પણ માવઠું થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. જો માવઠું થવાનું હશે તો અમે તમને એડવાન્સમાં માહિતી આપીશું. 28મી ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ, કચ્છના ભાગોમાં, ઉત્તર ગુજરાતના પશ્ચિમ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
પરેશ ગૌસ્વામીએ તાપમાન અંગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બપોરે મહત્તમ તાપમાન 35 થી 38 આસપાસ રહેવાની સંભાવના છે તો બીજી તરફ રાત્રે લધુત્તમ તાપમાનમાં હવેથી વધારો થશે. આ વર્ષ પણ હીટ વેવ ના રાઉન્ડ માર્ચ મહિનાથી આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં 40 આસપાસ તાપમાન જોવા મળશે.