ચોમાસા પૂર્વે બે વાવાઝોડાની આગાહી, 25 મે બંગાળની ખાડીમાં અને 10 જુન અરબી સમુદ્રમાં બનશે વાવાઝોડું
ગુજરાતમાં ગઈકાલથી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. માવઠાની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠયા હતાં. અને આગામી પાંચ દિવસ પણ હિટવેવની આગાહી કરવામા આવી છે. ત્યાં ગુજરાતમાં ચોમાસા પૂર્વે બે વાવાઝોડાની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઇ લીધો છે.
■ તારીખ 24-25 મે આસપાસ બંગાળની ખાડીમાં અને તા. 10 જૂન આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું ઉઠશે
વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં ૧૫મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. ત્યારે તે પહેલા અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. જીએફએસ મોડલ પ્રમાણે, બંગાળની ખાડીમાં ૨૪-૨૫ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યુ છે જ્યારે અરબ સાગરમાં ૧૦મી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બનતું હોય છે. જોકે, તે પહેલા ૧૫ દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો થયો છે. ૨૫ મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઇ શકે છે. જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓડિશા, આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે.
એક અનુમાન પ્રમાણે, ૨૫ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે.
બીજા વાવાઝોડાની વાત કરીએ તો, આ વાવાઝોડું અરબ સાગરમાં ૧૦મી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે. સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે. આ પહેલા પણ આપણે અનેક અરબ સાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે. બીપોરજોવે ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી. ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા જ ૧૦મી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે. આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ કંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે.