વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ વિશે આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે આગામી ૩૬ થી ૪૮ કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
કચ્છમાં આગામી ૩૬થી ૪૮ કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના…
ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાંથી જે લોપ્રેશર આગળ વધ્યું હતું તે હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે. જે હાલમાં ભુજથી ૫૦ કિમી દૂર કેન્દ્રિત થયું છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત ચાર દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાક હજુ પણ રાજ્યના પશ્ચિમ ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે જે ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ વરસી રહ્યો છે તે હાલમાં નબળું પડયું છે અને હજુ પણ આગામી ૩૬ થી ૪૮ કલાક દરમિયાન તે કચ્છ ઉપર સ્થિર થશે. કારણ કે તેને આગળ વધવા માટે યોગ્ય હવામાન ન મળતા આગામી ૩૬ થી ૪૮ કલાકથી કચ્છ ઉપર જ સ્થિર થાય છે. જેને કારણે પાકિસ્તાનના બોર્ડર વિસ્તાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ આ સમયગાળા દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેમાંથી એક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલ બંગાળની ખાડીનું પ્રેશર તથા દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફ અને ઉત્તર ગુજરાત ઉપર એક મોન્સુન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જે ડીપ ડિપ્રેશન સાથે સંકળાયેલો છે. જો કે, આગામી ૪૮ કલાક બાદ તેનું જોર ઘટી શકે છે. હજુ પણ વરસાદનું જોર રહેતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે.
જ્યારે અન્ય વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હળવા થી સામાન્ય વરસાદની સંભાવના છે હવે તે વિસ્તારમાં છાંયો તડકો જોવા મળશે તેવી શક્યતા છે બાકી આગોતરા એંધાણ તરીકે ફરી બંગાળની ખાડીમાં બેંક ટુ બેક સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં એકવાર ફરી રાઉન્ડ આવશે.