હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 27 અને 28 ઓક્ટોબરના રોજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે સામાન્ય વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. આ વિક્ષેપના પ્રભાવથી દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે, 7થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું લાવવાની સંભાવના છે. આ વાવાઝોડાથી ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જે ખેડૂતો માટે ચિંતાજનક છે, કેમ કે માવઠું પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગળ વધતા વાતાવરણમાં 13 અને 14 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. જેના કારણે સ્થાનિક હવામાન પર પણ અસર થઈ શકે છે. આ પછી 17 અને 18 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે. 19થી 22 નવેમ્બરના અંતરાલમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક પ્રચંડ વાવાઝોડું આવવાની આગાહી છે, જેના કારણે રાજ્યમાં ફરીથી માવઠું લાવવાની શક્યતા છે.
નવેમ્બર મહિનાના 7થી 14 અને 19થી 22 દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે ખેડૂતો માટે કઠિનતા સર્જી શકે છે. તેમણે સૂચન આપ્યું છે કે, ખેડૂતો આ આગાહીને ધ્યાનમાં રાખી પાકને રક્ષણ આપવા માટે પગલાં લે. આ વાતાવરણના બદલાવને કારણે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે અને રાજ્યમાં શિયાળાની ઠંડી વધુ કઠિન બનશે.