રાજ્યમાં કાળઝાળ ગરમીએ માજા મૂકી છે ત્યારે આજથી ગુજરાતીઓને આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે.આજથી ગરમીમાં સામાન્ય ઘટાડો થશે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે. તો જાણીએ પરેશ ગોસ્વામીએ કઈ તારીખે અને કયા કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ તાપમાન ઊંચુ જવાની શક્યતા છે. એટલે કે, ગુજરાતીઓને 28 સુધી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. 28થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. તેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચુ તાપમાન જઈ શકે તેવું અનુમાન છે.
હવામાનમાં પલટો આવવાથી કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે. આ એક આગોતરું અનુમાન છે. આમાં ફેરફાર પણ થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31મી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. હાલ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તેમાં દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે.