રાજ્યમાં પૂર્વ-દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે. જોકે, તાપમાન સામાન્ય છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગામી દિવસોમાં ખાસ કરીને, ઉત્તરાયણના પવન, માવઠા અને ઠંડી અંગે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, 14 જાન્યુઆરીએ અમદાવાદ, મહેસાણા, રાજકોટ, રાજકોટ, કચ્છના ભાગોમાં સવારે 6 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને દિવસ થતાં 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, મધ્ય ગુજરાતમાં 6થી 12 કિલોમીટર તેમજ દક્ષિણ ગુજરાતમાં 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બપોરના સમયે પવનની ગતિ અમદાવાદના ભાગોમાં 10 કિલોમીટરની આસપાસ રહેશે. સાંજના સમયે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
14 જાન્યુઆરીએ આંચકાના પવન ફૂંકાશે એટલે કે પવનની ગતિ વધી જાય અને ફરી ઘટી જાય એવું રહેશે. એટલે આંચકાના પવનની ગતિ અમદાવાદના ભાગોમાં 20થી 22 કિલોમીટરની રહેશે. સૌરાષ્ટ્રમાં 28થી 32 કિલોમીટરની રહેશે. કચ્છમાં આંચકાના પવનની ગતિ 22 કિલોમીટર રહેશે. દક્ષિણ ગુજરાતમાં આંચકાના પવનની ગતિ 18થી 22 કિલોમીટર રહેશે. આ વખતે પવનની ગતિ વધુ રહી શકે તેવું કહી શકાય. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રહેશે. 15 જાન્યુઆરીના પવનની ગતિ થોડી ઓછી રહેવાની શક્યતા છે.