ન્યુયોર્ક કોટન વાયદાનો છેલ્લા નવ મહિનાનો ચાર્ટ રજુ કરવામાં આવ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં 100 સેન્ટની સપાટીની નજીક પહોંચ્યા બાદ ન્યુયોર્ક વાયદામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ ન્યુયોર્ક વાયદામાં 68 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઇ રહ્યો છે. કપાસ એક વૈશ્વિક કૃષિ પેદાસ હોવાથી ન્યુયોર્ક વાયદાની વત્તા- ઓછા પ્રમાણમાં ભારતીય કપાસ બજાર ઉપર પણ અસર જોવા મળી છે.
સ્થાનિક બજારની વાત કરીએ તો ગત સપ્તાહ દરમિયાન 29 એમએમ રૂ ગાંસડીના ભાવમાં ખાંડીએ રૂ.54400 આસપાસની સપાટીએ વેપાર થતો હોવા મળ્યો. છેલ્લા દોઢ મહિનાથી રૂ ગાંસડીના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેની અસરથી કપાસના ભાવ પણ નીચે આવ્યા છે. દોઢ મહિના પહેલા સિઝનની શરૂઆત થઇ ત્યારે ખેડૂતોને સારી ગુણવત્તાના કપાસના રૂ.1625 સુધી ભાવ મળતા હતા, જેમાં હાલની સ્થિતિએ પ્રતિ મણ રૂ.75 સુધીનો ઘટાડો નોંધાયો છે. હાલની સ્થિતિએ કપાસમાં મહત્તમ વેપાર રૂ.1450થી રૂ.1550ની સપાટીની વચ્ચે થઇ રહ્યો છે.
છેલ્લા દોઢ મહિનાથી કપાસની નવી સિઝનની શરૂઆત થઇ છે. નવી સિઝનની શરૂઆત થઇ ત્યારથી સતત અને ધીમી ગતિએ રૂ ગાંસડીના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ 29એમએમ રૂ ગાંસડીનો ભાવ પ્રતિ ખાંડી રૂ.54700ની સપાટીએ પહોંચ્યો છે. નવા કપાસની આવક શરૂ થઇ નહોતી એ સમયે રૂ ગાંસડીના ભાવમાં રૂ.59000 આસપાસની સપાટીએ વેપાર થતો હતો. નવી આવકોનું પ્રેશર વધાવાની સાથે જ ભાવમાં ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો છે.
કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1300થી રૂ.1575ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે. આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂ.1505 પ્રતિ મણ જાહેર થયો છે. હાલની સ્થિતિએ લગભગ ટેકાની સપાટીની આસપાસ કપાસના ભાવ પહોંચી ગયા છે. આ વખતે ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યુ છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચ્યુ છે. આથી ધારણા કરતાં કપાસનું ઉત્પાદન ઓછુ રહે એવી પણ સંભાવના રજુ થઇ રહી છે.