રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. આ સપ્તાહે 29એમએમ રૂ ગાંસડીના ભાવમાં ઘટાડા સાથે રૂ.53700ની સપાટી જોવા મળી છે. આ સાથે કપાસના ભાવ પણ ઘટીને રૂ.1500થી નીચેની સપાટીએ પહોંચી ગયા છે. મોટાભાગના ખેડૂતોને રૂ.1250થી રૂ.1475ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં 69 સુધી ટકેલું.
આ સિઝન શરૂ થઇ ત્યારે રૂ ગાંસડીના ભાવ રૂ.59 હજારની સપાટીની આસપાસ હતા અને કપાસના ભાવમાં રૂ.1600ની સપાટીની આસપાસ વેપાર થતો હતો. આ બાદ કપાસ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. સિઝન શરૂ થઇ ત્યારે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં જે ભાવ હતા એની સરખામણીએ હાલ કોઇ મોટો ઘટાડો થયો નથી. જોકે, આપણાં સ્થાનિક સ્તરે રૂ બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ટેકાના ભાવની ખરીદી સામે પણ ખેડૂતો અસંતોષ વ્યકત કરી રહ્યા છે.
અમેરિકા, બ્રાઝિલ અને ચીનના રૂના ઉત્પાદનના અંદાજો સતત વધી રહ્યા હોઇ આગામી દિવસોમાં રૂના ભાવમાં મોટી મંદો આવવાના સંકેતો મળી રહ્યા છે. ચીનમાં વાવેતર ઘટ્યા છતાં 31 લાખ ગાંસડીનો વધારો, અમેરિકામાં 27 લાખ ગાંસડીની વૃદ્ધિ, અને બ્રાઝિલમાં ચાર વર્ષમાં 138 લાખથી 233 લાખ ગાંસડી સુધીનું ઉત્પાદન નોંધાયું છે. ભારતના પ્રતિ હેક્ટર નીચા ઉતારા અને બિનસ્પર્ધાત્મક નીતિઓના કારણે તેની વિશ્વબજારમાં ટકાવારી મુશ્કેલ છે. ન્યુયોર્ક અને ચીનના રૂ વાયદામાં સતત ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય કપાસ ઉદ્યોગ માટે ટકાઉ વિકાસ અને સ્પર્ધાત્મકતામાં સુધારાઓની તાત્કાલિક જરૂર છે.