ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો નથી. ઉલટાનું મોટાભાગના શહેરોમાં તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે. ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઇ રહ્યું છે. આવામાં આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે? રાજ્યમાં આગામી છ દિવસ માવઠું, ગરમી કે ઠંડીની મોસમ જામશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
આગામી ચારથી પાંચ દિવસ હવામાનમાં વધુ ફેરફાર નહીં થાય. આવનાર સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે.આ સાથે તેમણે જણાવ્યું છે કે, પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહી છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષ ઠંડી પણ મોડી આવે તેવી શક્યતા છે. ૭ થી ૧૩ નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષોશ ને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
પહેલા તબક્કામાં, 27 અને 28 ઓક્ટોબરના રોજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે સામાન્ય વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. 7થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું લાવવાની સંભાવના છે.
વાતાવરણમાં 13 અને 14 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. જેના કારણે સ્થાનિક હવામાન પર પણ અસર થઈ શકે છે. આ પછી 17 અને 18 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે. 19થી 22 નવેમ્બરના અંતરાલમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક પ્રચંડ વાવાઝોડું આવવાની આગાહી છે